મહેસાણા: ભારત સહિત ગુજરાતમાં સરકાર દ્વારા વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને ગુજરાતમાં પણ આબુ – અંબાજી રેલવે લાઈન બનાવવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ વિકાસના કામોને લઈને સ્થાનિક ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે.
આબુ – અંબાજી રેલવે લાઈન બનાવવા માટે અનેક ખેતરોની જમીનો કપાઈ શકે છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. આ જમીન સંપાદન મુદ્દાને લઈને ખેડૂતો હાલ ઉગ્ર જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, મહેસાણાના ખેરાલુ – સતલાસણાના 14 ગામના 457 ખેડૂતોની જમીન સંપાદન મુદ્દે અસહમતી દર્શાવી છે.
ખેરાલુ પ્રાંત કચેરી ખાતે સંપાદન માટે કરવામાં આવેલી સુનાવણીમાં ખેડૂતોએ અસહમતી દર્શાવી હતી. જણાવી દઈએ કે, આ સુનાવણી 90 હેકટર જમીન સંપાદન માટે હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ખેડૂતોએ નવા સર્વે થયેલા ટ્રેકને બદલે જૂના ટ્રેક ઉપયોગ કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલય (Ministry of Railways) દ્વારા જૂલાઈ મહિનામાં રૂપિયા 2798.16 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવનાર તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇન (Taranga Hill-Ambaji-Abu Road New Rail Line)ના નિર્માણને મંજૂરી આપી હતી. આ રેલ લાઇનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે. આ પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.