તેલંગાણા હાઈકોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. ધારાસભ્યો ખરીદવાના કેસમાં હાઈકોર્ટે તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. પોચગેટ કેસના નામથી જાણીતા આ કેસમાં અત્યારસુધી રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી સમિતિ તપાસ કરી રહી હતી. આ તપાસનો બીજેપીએ વિરોધ કર્યો હતો. હવે રાજ્ય સરકારની એસઆઈટી આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે.
આ મુદ્દે બીજેપી નેતા અને વકીલ એન. રામચંદર રાવે નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું કે, અમારી દલીલ હતી કે SIT નિષ્પક્ષ તપાસ ન કરી શકે. મુખ્યમંત્રીએ પોતે કહ્યું હતું કે સ્ટિંગ ઓપરેશનમાં રેકોર્ડ કરાયેલી તમામ ટેપ તેમની પાસે છે. જેના કારણે અમે કોર્ટમાં ગયા હતા. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે અને SIT તપાસ રદ કરી છે.
આ મુદ્દે તેમણે વધુમાં જણાવ્યુ કે, સીબીઆઈ તપાસની માંગ સાથે હાઈકોર્ટમાં કુલ પાંચ અરજીઓ દાખલ કરાઈ હતી. જેમાં ત્રણ આરોપીઓ દ્વારા, એક ભાજપ દ્વારા અને પાંચમી વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આમાં ટેકનિકલ આધાર પર ભાજપની અરજી ફગાવી દેવામાં આવી હતી. હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો તેનું તેઓ અને તેમની પાર્ટી સ્વાગત કરે છે.
બીજી તરફ બીઆરએસના ધારાસભ્ય રોહિત રેડ્ડીએ જણાવ્યુ કે, કેન્દ્રિય એજન્સીઓનો ઉપયોગ કરીને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે પાર્ટી બદલવા માટે રૂપિયા મળ્યા હોવાનો દાવો કર્યો હતો. આ સિવાય મુખ્યમંત્રીએ એ પણ આરોપ લગાવ્યો હતો કે, બીજેપી તેમની સરકાર પાડવા માટે કોશિશ કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે, સત્તાધારી બીઆરએસે ભાજપ તેની પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરતુ દોવાનો દાવો કર્યા બાદ રાજનીતિ ગરમાઈ છે. આ કેસમાં રામચંદ્ર ભારતી ઉર્ફે સતીશ શર્મા, નંદ કુમાર અને સિંઘયાજી સ્વામીની ઓક્ટોબર મહિનામાં ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન સચિવ બીએલ સંતોષ સહિત 7ને આરોપી બનાવાયા છે. બીજેપી સતત આ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યું હતી.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.