અમદાવાદ: શહેરમાં કોરોના મહામારીનાં કારણે ત્રણ વર્ષથી કાંકરિયા કાર્નિવલ યોજાયો ન હતો. ફરી એક વાર 25થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ આઝાદી કા અમૃત મહોત્સવની થીમ ઉપર વિવિધ કાર્યક્રમ યોજાશે. 31મી ડિસેમ્બરે આતશબાજી નહીં કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામા આવ્યો છે. કાર્નિવલને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિધિવત રીતે ખુલ્લો મુકશે. અંતિમ દિવસે 31 ડિસેમ્બરે એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ ઉપર કાર્યક્રમ આયોજિત કરાશે.કાર્નિવલના આયોજન પાછળ મ્યુનિ.તંત્ર અંદાજે ચાર કરોડની રકમનો ખર્ચ કરવામાં આવશે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે વર્ષ 2008-09થી કાંકરિયા કાર્નિવલની શરુઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામા આવી હતી. વર્ષ-2019માં છેલ્લો કાર્નિવલ યોજાય બાદ ત્રણ વર્ષ બાદ ફરી એક વખત કાંકરીયા કાર્નિવલ યોજવા મ્યુનિ.તંત્ર તરફથી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે.
ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી.આર.ખરસાણે આ અંગે જણાવતા કહ્યુ હતુ કે, લેકફ્રન્ટ ખાતે આયોજીત કાર્નિવલ માટે ત્રણ સ્ટેજ તૈયાર કરવામા આવશે. પુષ્પકુંજ ઉપરાંત બાલવાટિકા તેમજ વ્યાયામ વિદ્યાલય એમ ત્રણ સ્થળે સ્ટેજ રાખવામાં આવશે. જયાં દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામા આવશે. કાંકરીયા કાર્નિવલમાં દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાન 25 લાખથી પણ વધુ મુલાકાતીઓ પહોંચતા હોય છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, મ્યુનિ.ના દક્ષિણ ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી કમિશનરથી અન્ય વિભાગોના ઉપરી અધિકારીઓને કાર્નિવલને લઈ ખાસ ફરજ સોંપવામા આવી છે. કાર્નિવલ માટે કંટ્રોલરુમ પણ શરુ કરવામા આવશે. આ ઉપરાંત પાર્કીંગ,સેનિટેશન સહિતની જવાબદારી અલગ અલગ વિભાગને સોંપવામા આવી છે. પહેલા દિવસથી જ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કલાકારો તેમનુ પર્ફોર્મન્સ આપશે. આ સાથે જ લેસર-શો, મલ્ટી મિડીયા, હોર્સ -શો તથા પપેટ-શોનું પણ આયોજન કરવામા આવ્યુ છે.
ગુજરાતી સુગમસંગીત ઉપરાંત આદિવાસી, બોલીવૂડ અને સુફી સંગીતની સાથે લાઈવ કેરેકટર પર્ફોમન્સ પણ કલાકારો દ્વારા કરવામા આવશે. ગુજરાત સહિત કુલ 15 રાજયના કલાકારો દ્વારા દેશની એકતા અને અંખડિતતા દર્શાવવા એકભારત શ્રેષ્ઠ ભારતના થીમ ઉપર પર્ફોમન્સ કરવામા આવશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.