ગાંધીનગર: 156 ધારાસભ્યોના રેકોર્ડ બ્રેક વિજય સાથે ભાજપે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સોનેરી અક્ષરે તેનું નામ અંકિત કરી દીધુ છે. ઐતિહાસિક વિજય બાદ આજે તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાઇ હતી. વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાયેલા 182 ધારાસભ્યોને સત્તાવાર રીતે શપથ લેવડાવ્યા હતા. સૌથી પહેલા સીએમ પછી કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી, મહિલા ધારાસભ્યો, દંડક અને પછી બાકી રહેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.
આજે સવારે 11 વાગ્યાને સાત મિનિટના મુહુર્તમા શંકર ચૌધરીએ આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું અને એ પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી પણ આપી હતી. ફોર્મ ભર્યા બાદ શંકર ચોધરીએ બીજેપીનાં પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતું. બપોરે 1 વાગે કમલમ જઈને રાજીનામું આપ્યું હતું.
આવતીકાલે વિધાનસભાના એક દિવસીય ટૂંકા સત્રની પ્રથમ બેઠક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી સહિતના કામકાજ સાથે સરકાર સત્તાવાર કામગીરી શરૂ કરશે. આવતીકાલના એક દિવસીય સત્રમાં ઇમ્પેક્ટ હુકમના સુધારા વિધેયકને કાયદાનું સ્વરૂપ આપતું બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
આવતીકાલે મંગળવારે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે જેમાં પહેલી બેઠકમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને ચૂંટણી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બીજી બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના આભાર સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત થશે.
સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા આવતીકાલે વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બિલ એ સુધારા વિધેયક છે નવુ બિલ નથી.
દર વખતે વિધાનસભામાં સરકારને ઘેરવા માટે – વિપક્ષ વ્યુહ રચના ગોઠવતું હોયછે, જોકે 17 ધારાસભ્યોની સંખ્યામાં આ વખતે વિપક્ષ કેવો દેખાવ કરી શકશે તે જોવાનું રહેશે. આજે મોડી સાંજ સુધીમાં વિપક્ષના નેતાના નામની જાહેરાત દિલ્હીથી થઇ શકેછે. ભાજપને આંતરિક ટેકો જાહેર કરી ચૂકેલા ત્રણ અપક્ષ ધારાસભ્યો સહિત પ્રથમ વખત ત્રીજા પક્ષ એવા આપના ધારાસભ્યોની પણ ગૃહમાં હાજરી આપી હતી.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.